રાજસ્થાન : 2 ઓગસ્ટ, 2023 ના રોજ શાહપુરા જિલ્લાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળકી સાથે સામુહિક બળાત્કાર કર્યાની ઘટના બની હતી. ત્યારબાદ આરોપીઓએ બાળકીને કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી દીધી હતી. આ કેસમાં ભીલવાડા પોક્સો કોર્ટે શનિવારના રોજ 2 આરોપીને દોષિત જાહેર કર્યા અને 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સોમવારે કોર્ટે બંને મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
કોર્ટની કાર્યવાહી : રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મહાવીર કિસનાવતે જણાવ્યું કે, આ કેસમાં 9 આરોપીઓની સુનાવણી પોક્સો કોર્ટમાં ચાલી હતી. સરકાર દ્વારા 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં એક મહિલા સાક્ષીએ ફરિયાદ પક્ષના પુરાવા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેના પર કિસનાવતે મહિલા સાક્ષીને પક્ષદ્રોહી જાહેર કરી હતી. તેનું કારણ એ હતું કે આ મહિલા સાક્ષી કેસના મુખ્ય આરોપીની સાસુ હતી. ફરિયાદ પક્ષ દ્વારા 222 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટમાં અપીલ કરશે : કિસનાવતે કહ્યું કે, આ કેસમાં કોર્ટે બે મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ સાત આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. આ કેસમાં આજે કોર્ટે બંને આરોપી ભાઈઓને ફાંસીની સજા ફટકારી છે. જે સાત આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, તેમની સામે હાઈકોર્ટમાં અપીલ કરીશું. આ કેસની તપાસ કોટ્રીના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક શ્યામસુંદર બિશ્નોઈ દ્વારા કરવામાં આવી હતી. જેનું મોનિટરીંગ ADG ક્રાઈમ એમએમ દિનેશ અને અજમેર રેન્જ IG લતા મનોજે કર્યું હતું.
ભઠ્ઠી કોની હતી ? ઘટનાસ્થળે કોલસાની પાંચ ભઠ્ઠી સ્થાપિત કરવામાં આવી હતી, જેમાંથી 2 ભઠ્ઠી બંને મુખ્ય ગુનેગારોની હતી. બંને આરોપીઓ સગા ભાઈઓ છે. એક ભઠ્ઠી અન્ય બે આરોપીઓની હતી, જેમાં સગીરના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ બંને આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
- ઘટનાની ટાઈમલાઈન :
- 2 ઓગસ્ટ, 2023 : એક સગીરા પર સામૂહિક બળાત્કાર થયો
- 3 ઓગસ્ટ, 2023 : સવારે બાળકીનો મૃતદેહ મળ્યો
- 3 ઓગસ્ટ, 2023 : સવારે 9:30 થી 11 વાગ્યાની વચ્ચે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી
- 5 ઓગસ્ટ, 2023 : એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી
- 6 ઓગસ્ટ, 2023 : અન્ય બે આરોપીની અટકાયત કરવામાં આવી
- 6 ઓગસ્ટ, 2023 : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી સહિત કાર્યકરો અને સર્વ સમાજે કોટરી પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું
- 10 ઓગસ્ટ, 2023 : અન્ય બે મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી
- 3 સપ્ટેમ્બર, 2023 : કોર્ટમાં 473 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી
- 15 સપ્ટેમ્બર, 2023 : ચાર્જ બેઝની શરૂઆત
- 18 મે, 2024 : આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા
- 20 મે, 2024 : બંને દોષિત ભાઈઓને ફાંસીની સજા ફટકારી મૃત્યુદંડ આપ્યો