દેહરાદૂન: ઉત્તરાખંડમાં સમલૈંગિક લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2024ને મંજૂરી મળી છે. આ સંદર્ભે મુખ્ય પ્રધાન ધામીએ તેમના સંબોધનમાં કહ્યું કે ઉત્તરાખંડમાં લગ્ન ફક્ત પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થઈ શકે છે. તેમણે કહ્યું કે યુસીસી દ્વારા સમાજની સમસ્યાઓ દૂર કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2024માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લગ્ન માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થઈ શકે છે. આમ કરીને અમે સમાજને સ્પષ્ટતા આપવાનું અને દેશની સંસ્કૃતિને બચાવવાનું કામ કર્યું છે.
વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક(ગે) લગ્નને મંજૂરી આપવામાં આવી છે. આવા દેશોની સંખ્યા લગભગ 33 છે. આમાંના મોટાભાગના દેશોમાં આ અધિકાર કાયદાકીય પ્રક્રિયા બાદ પ્રાપ્ત થયો છે. આ દેશોમાં ઓસ્ટ્રિયા, તાઈવાન, કોલમ્બિયા, અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ક્યુબા, ડેનમાર્ક, સ્વીડન, દક્ષિણ આફ્રિકા, માલ્ટા, ફિનલેન્ડ, બ્રિટનનો સમાવેશ થાય છે.
જો આપણે ભારતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે હજુ સુધી સમલૈંગિક(ગે) લગ્નને કાયદાકીય મંજૂરી આપી નથી. હવે ઉત્તરાખંડમાં આને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બિલમાં આ અંગેની જોગવાઈ કરી છે. હવે ઉત્તરાખંડમાં સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ધામીએ વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, જે રીતે આ દેવભૂમિમાંથી નીકળતી માતા ગંગા તેના કિનારે વસતા તમામ જીવોને કોઈપણ જાતના ભેદભાવ વિના સિંચન કરે છે, તેવી જ રીતે આ ગૃહમાંથી નીકળતી સમાન અધિકારોની ગંગા આપણા તમામ નાગરિકોના બંધારણીય અધિકારોને સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે જ્યારે આપણે સમાન મનની વાત કરીએ છીએ તો તેનો અર્થ એ નથી કે આપણા બધાના કાર્યોમાં એકરૂપતા હોવી જોઈએ, પરંતુ તેનો અર્થ એ છે કે આપણે બધાએ સમાન વિચારો અને વર્તન સાથે કાયદેસર રીતે કામ કરવું જોઈએ.