નવી દિલ્હી : આજે શનિવારના રોજ આમ આદમી પાર્ટીના નેતા આતિશી દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ દરમિયાન તેમની સાથે પાંચ મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ સાંજે 4:30 કલાકે યોજાશે. આમ આદમી પાર્ટી તરફથી મળેલી માહિતી અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીઓ : દિલ્હીમાં મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીઓની છ જગ્યા છે. પરંતુ હાલમાં દિલ્હી સરકારની કેબિનેટમાં માત્ર પાંચ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. અરવિંદ કેજરીવાલની સાથે મંત્રી પદની જવાબદારી સંભાળતા મંત્રીઓ ઉપરાંત સુલતાનપુર માજરાથી ધારાસભ્ય મુકેશ અહલાવતને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
SC ધારાસભ્યને કેબિનેટમાં સ્થાન : મુકેશ અહલાવત અનુસૂચિત જાતિના છે. દિલ્હી સરકારની કેબિનેટમાં શરૂઆતથી જ SC ક્વોટાના ધારાસભ્ય મંત્રી રહ્યા છે. વર્ષ 2020માં જ્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની, ત્યારે સીમાપુરીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, રાજકુમાર આનંદે લોકસભાની ચૂંટણી પહેલા મંત્રી પદેથી રાજીનામું આપીને પાર્ટી છોડી દીધી હતી. ત્યારથી આ મંત્રી પદ ખાલી હતું. હવે આ કોટા હેઠળ મુકેશ અહલાવતને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, મંગળવારના રોજ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મુખ્યમંત્રી પદ પરથી પોતાનું અને કેબિનેટનું રાજીનામું સોંપ્યું હતું. કેજરીવાલે સબમિટ કરેલું રાજીનામું બુધવારના રોજ લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું.
આ ધારાસભ્યો બનશે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી :
- ગોપાલ રાય
- કૈલાશ ગેહલોત
- સૌરભ ભારદ્વાજ
- ઇમરાન હુસેન
- મુકેશ અહલાવત