નવી દિલ્હીઃ એક તરફ દેશમાં મોંઘવારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે. ત્યારે બીજી તરફ આવી મોંઘાવારીથી પીસાતી ગરીબ અને મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમૂલ દૂધે દેશભરમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સોમવારથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.
આપને જણાવી દઈએ કે, તેના અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવાની સાથે અમૂલે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ તેટલો જ વધારો કર્યો છે. તમામ વધેલી કિંમતો સોમવારથી લાગુ થઈ ગઈ છે. આ ઉપરાંત દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
હવે અમૂલ ગોલ્ડ મિલ્કનો નવા દર 64 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 66 રૂપિયા પ્રતિ લિટર થયો છે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલનો ભાવ 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. આ વધારા અંગે અમૂલે કહ્યું કે વધેલી કિંમતોમાં માત્ર 3 થી 4 ટકાનો વધારો થયો છે. જે ખાદ્ય મોંઘવારી કરતા ઓછો છે.
અમૂલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ગયા વર્ષે ફેબ્રુઆરી 2023માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તેથી ભાવ વધારવો જરૂરી હતો. અમૂલે દાવો કર્યો છે કે દૂધ ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.