પંચમહાલના શહેરા તાલુકાના બાકરિયા ગામના રસ્તા પર પાણી ભરાયા
પંચમહાલ: જિલ્લામાં વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ત્યારે શહેરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ પાછલા બે દિવસમાં પડ્યો હતો. હાલમાં પાડોશી મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી 4 લાખ ક્યૂસેક જેટલું પાણી તેમજ પાનમ ડેમનું પાણી મહી નદીમાં છોડવામાં આવતા શહેરા તાલુકાના કેટલાક ગામોને પણ અસર પહોંચી હતી. જેમાં મહીસાગર નદીનું પાણી બાકરિયા ગામના રસ્તા પર ફરી વળવાને કારણે ગામમાં રોજિંદી અવરજવરને અસર પહોંચી હતી. વધુમાં ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે મકાઈ, બાજરી, શાકભાજી સહિતના પાકને નુકશાન પહોચ્યું છે. અહીંના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કે હજુ સુધી અમને કોઈ સરકારી તંત્ર જોવા આવ્યું નથી.