બોર્ડની પરીક્ષાઃ પંચમહાલમાં CCTV કેમેરાની વિદ્યાર્થીઓ પર બાજનજર
પંચમહાલઃ રાજ્યમાં ધોરણ 10- અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થયો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના વિવિધ પરિક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાના ભાગરૂપે પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેના માટે તમામ કેન્દ્રો CCTVથી સજ્જ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં 53 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં ધોરણ 10મા 30,926, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15273 વિજ્ઞાન પ્રવાહમાં 2264 જેટલા પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં 1652 બ્લોક પૈકી 1615 બ્લોકમાં CCTVથી નજર રાખવામાં આવશે. બાકીના 37 બ્લોકમાં ટેબલેટ મારફતે નજર રાખવામાં આવશે. પરીક્ષાના મોનીટરીંગ માટે ક્લાસ 1 અને 2ના અધિકારીઓ લાયઝન ઓફિસર તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત જિલ્લાની 4 ફલાઈગ સ્કોવોડ અને ગાંધીનગરની પણ 4 ફલાઈગ સ્કોવોડ ગેરરીતિ ન થાય તે માટે ચાંપતી નજર રાખશે. તેમજ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં 144 કલમ હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની બહાર પણ વાલીઓના ટોળેટોળા જોવા મળ્યા હતા.