વડોદરમાં ખેતરમાં આવેલ મહાકાય મગરનું કર્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો
વડોદરાઃ શહેરના તરસાલી વિસ્તાર સ્થિત માધવનગર સોસાયટીની પાછળ ઈસ્માઈલ ભાઈ મકાઈનું ખેતર ધરાવે છે. જેઓ રાબેતા મુજબ તેમના ખેતરે ગયા હતા. જ્યાં તેમનાં ખેતરમાં એક મહાકાય મગર જોતાં તેઓ ગભરાઈ ગયા હતાં. તેઓએ આ બનાવ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કરતાં સંસ્થાના કાર્યકરો ઈસ્માઈલભાઈના ખેતરે દોડી આવ્યાં હતાં. જ્યાં મકાઈના ખેતરમાં એક પૂંછડી વિનાનો અંદાજીત 6 ફૂટ લાંબો મગર નજરે પડ્યો હતો. આ બનાવને પગલે બનાવ સ્થળે મગરને જોવા લોકટોળાં ઉમટી પડ્યાં હતાં. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ 1 કલાકની ભારે જહેમત બાદ મહાકાય મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ મગરને પાંજરે પુરાયા બાદ વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ખેતર નજીક ઢાઢર નદીનું ગરનાંળુ આવેલું છે. જેથી આ મગર નદીમાંથી ગરનાંળા મારફતે ખોરાકની શોધમાં ખેતરમાં આવી પહોંચ્યો હતો અને કોઈ માર્ગ અકસ્માતમાં તેની પૂંછડી કપાઈ ગઈ હોવાની માહિતી મળી હતી.