ચોરી કરવા આવેલા ચોરને કાઈ હાથ ન લગતા, કરી તોડફોડ અને ત્યાં જ સુઈ ગયો, જૂઓ Video
સુરત: હીરાબાગ વિસ્તારના શ્રી રામ નગર સોસાયટીમાં ચોર સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. ચોરી કરવા આવેલા ચોરને કાઈ હાથ ન લગતા તેણે તોડફોડ કરી હતી. ચોરને પગમાં ઈજા થતા તે ત્યાં જ સુઈ ગયો હતો. સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી શ્રી રામ નગર સોસાયટીમાં સેપ મોન્ટેસરી સંસ્થામાં એક વ્યક્તિ ચોરી કરવા ઘૂસ્યો હતો. જો કે, મોન્ટેસરીની અંદર કોઈ કિંમતી ચીજ વસ્તુ નહીં મળતા તેમણે સેપ મોન્ટેસરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું. જો કે, તોડફોડ દરમિયાન કોઈ ધારદાર વસ્તુ આ ઇસમના પગને વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેમનાથી ચાલી શકાય એવી પરિસ્થિતિમાં ન હતો. જે બાદ આ ચોર સેપ મોન્ટેસરીમાં જ સુઈ ગયો હતો. જ્યારે સવારે મોન્ટેસરીના માલિક આવ્યા ત્યારે તેમના ધ્યાને આ વ્યક્તિ જતા તેમણે પોલીસને ફોન કરી જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ ઇસમ ચોરી કરવાના ઇરાદે અંદર આવ્યો હતો પરંતુ કાઈ નહીં મળતા ગુસ્સે થઈ તોડફોડ કરી હતી. જેમાં બાળકોના રમકડાં તેમજ ફ્રીજ અને ઓવનને નુકસાન પહોંચાડ્યું હતું. હાલ ચોરને વરાછા પોલીસ મથકમાં લાવવામાં આવ્યો છે. પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સુનિલ રમેશભાઈ વાઘેલા હોવાનું જણાવ્યું હતું.