ડાકોરના ઠાકોરે ભક્તોના હિત માટે 249 વર્ષ જૂની પરંપરા તોડી
ખેડાઃ કોરોનાને લઇ ડાકોરના ઠાકોર રણછોડરાયજીએ 249 વર્ષ જૂની પરંપરા તોડી છે. ભક્તોના હિતને ધ્યાનમાં રાખી દર શુક્રવારે પત્ની લક્ષ્મીજીને મળવા જવાનો નિયમ તોડ્યો. રણછોડરાયજીએ કોરોનાથી ડરો નહિ તેને હરાવોનો સૂચનાત્મક સંદેશ ભક્તોને આપ્યો છે. વર્ષો પહેલા ભગવાન જ્યારે દ્વારિકાથી ડાકોર આવ્યા ત્યારે ભગવાનને રહેવા માટે કોઈ સ્થળ ન હતું. ત્યારે ભગવાનને તેમના ભક્ત બોડાણાજીના ઘરે વાસ આપ્યો હતો. શ્રીજી મહારાજ વર્ષો સુધી બોડાણાજીના ધરે રહ્યા બાદ લક્ષ્મીજીના મંદિરમાં બિરાજમાન કરાવ્યા હતા. ત્યાર બાદ ગોપાલરાવ તામ્બવેકર નામના એક ભક્ત દ્વારા રણછોડજીનું હાલનું મંદિર બનાવમાં આવ્યું હતું. ભગવાન જ્યારે પોતાના નવા મંદિરમાં ગયા ત્યારે માતા લક્ષ્મીજી રિસાઈ ગયા ત્યારે ભગવાને લક્ષ્મીજીને વચન આપ્યું હતું કે, હું દર શુક્રવાર અને અગિયારસના દિવસે તમને મળવા આવીશ. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલતી આવતી હતી. પણ હાલમાં જે મહામારી સર્જાઈ છે તેને ધ્યાને રાખી દેશભરમાં લોકડાઉન છે, ત્યારે ભગવાન પણ પોતાના પત્ની લક્ષ્મીજીને મળવા ન ગયા અને પોતાના ઘરે રહી ગળાની પુષ્પ માળા મોકલી હાજરી પુરાવી અને દેશ અને દુનિયાને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.