કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના કારણે 20 ટકા ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી - કમોસમી વરસાદના નુકશાન ન્યુઝ
સુરત: જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં 80 ટકા ખેડૂતોમાં ઉદાસીનતા દાખવી છે. જેની પાછળનું એક કારણ ઓનલાઇન પ્રક્રિયામાં સર્વર ઠપ્પ થઈ જતું હોવાની રાવ ઉઠી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગમાં 13,413 જેટલા ખેડૂત ખાતેદારો છે. જેમાંથી ફક્ત 2,946 જેટલી અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. તેવી જ રીતે તાપીમાં 71,648 ખેડૂત ખાતેદારો છે. જેમાં 14,647 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જ્યારે સુરતમાં 1,70,332 ખેડૂત ખાતેદારો છે. જેની સામે 29,618 જેટલા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે, વલસાડમાં 13,0861 ખાતેદારો છે. જેમાં 20,301 જેટલી ઓનલાઈન અરજી કરવામાં આવી છે. તેવી જ રીતે નવસારીમાં 1,28,220 જેટલા ખાતેદારો છે. જેની સામે 13,899 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. અત્યાર સુધી ફક્ત 20 ટકા જેટલા ખેડૂતોએ જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી છે. જેમાં ખેડૂતોએ વધુ 20 દિવસની માંગણી સરકાર પાસે કરી છે.