રાજકોટમાં ટ્રાફિક પોલીસે જ ડી સ્ટાફની ઓળખાણ આપી ચલાવી લૂંટ
રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એક સલૂનમાં પ્રથમ એક ટ્રાફિક વોર્ડન ગ્રાહક બનીને ગયો હતો. ત્યારબાદ અચાનક ટ્રાફિક પોલીસના જ ત્રણ લોકરક્ષક સલૂનમાં ઘૂસ્યા હતા અને સલૂનના સંચાલકને ધમકાવીને અહીં ખોટા કામ કેમ કરો છો કહી પોતે ત્રણેય ગાંધીગ્રામ પોલીસમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે તેવી ઓળખાણ આપી હતી. જેનાથી ગભરાઈને સલૂન સંચાલક પાસેથી રોકડા રૂપિયા 85 હજાર તેમજ કોઈ પુરાવા ન મળે તે માટે સલૂનમાં લગાડવામાં આવેલ CCTV કેમેરાનું ડીવીઆર ઉપાડી ગયા હતા. જેને લઈને સલૂન સંચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ હતી. જો કે પોલીસે પણ વિસ્તારમાં કોઈ નકલી પોલીસ લૂંટ કરી ગયા અંગેની ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન બે ઇસમોના મોબાઈલ નંબર મળી આવ્યા હતા. જેના પરથી સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લૂંટ ચલાવનાર ત્રણ ઈસમો ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા. જ્યારે એક ટ્રાફિક વોર્ડન હતો. હાલ આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા કેયુર આહીર નામના લોકરક્ષક જે એક માસથી સસ્પેન્ડ છે તે તેમજ જોગેશ ઠાકરિયા અને પ્રવીણ મહિડા સાથે એક ટ્રાફિક વોર્ડન નવઘણ દેગડાની ધરપકડ કરવામાં આવી છે.