પોરબંદરવાસીઓએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું - પોરબંદર ન્યૂઝ
પોરબંદર: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ કર્યું છે. પોરબંદરમાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં 13 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. શહેરમાં વહેલી સવારથી જ તમામ લોકોએ પોતાની દુકાન લારી-ગલ્લા તથા શોપિંગ મોલ અને શોરૂમ બંધ રાખી જનતા કરફ્યૂને સમર્થન કર્યું હતું. પોરબંદરના કમલાબાગ વિસ્તારથી લઈ એમ.જી.રોડ સુદામા ચોક વાડી પ્લોટ માર્કેટ, લીમડા ચોક માર્કેટ, કિર્તિ મંદિર, શીતલા ચોક, ચોપાટી, રિવરફ્રન્ટ સહિત તમામ વિસ્તારો બંધ રાખવામાં આવ્યા છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પોરબંદરની મટન માર્કેટ અને મચ્છી માર્કેટ ફાયર બ્રિગેડ દ્વારા પાણી વડે સાફ કરવામાં આવી હતી. પોરબંદરના શાકમાર્કેટની પણ સાફ સફાઇ કરવામાં આવી હતી. પોરબંદરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જવાનો સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ સતત પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને આ રીતે નિયમોનું પાલન કરવા બદલ બિરદાવ્યા હતા.