LRD ભરતીમાં મેરીટમાંથી બાકાત પોરબંદરમાં રબારી સમાજના ઉમેદવારો આંદોલન પર - આંદોલન
પોરબંદરઃ જિલ્લામાં LRD પોલીસ જવાનોની ભરતી બાબતે તારીખ 30 નવેમ્બરના રોજ રાત્રીના 10:00 કલાકે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 125 જેટલા વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટમાં આવ્યા નથી. જેમાં ગીર બરડા અને આલેશ વિસ્તારના અનુસૂચિત જન જાતિ રબારી, ચારણ અને ભરવાડ જાતિના ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાના હેઠળ અન્યાય કરી મેરીટ યાદીમાંથી બાકાત રાખી અન્ય લોકોને મેરીટ યાદીમાં સમાવેશ કરી અન્યાય કરવામાં આવ્યો છે. તેવો આક્ષેપ પોરબંદરમાં સમસ્ત રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે 48 કલાકથી 47 જેટલા રબારી સમાજના યુવાનોએ આવેદન પાઠવી કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલું રહેશે તેવું સમસ્ત સોરઠીયા રબારી સેવા સમાજ મંડળના પ્રમુખ વિશાભાઈ મોરીએ જણાવ્યું હતું. જે ઉપવાસ પર બેઠેલા તમામ પરીક્ષાર્થીઓની મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.