બનાસકાંઠા જિલ્લાના સીપુ નદીમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાઃ રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી સીપુ નદીમાં પણ રવિવારના રોજ ભારે વરસાદના પગલે નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજસ્થાનના રેવદર વિસ્તારમાં રવિવારે વહેલી સવારથી જ ભારે વરસાદ થતા સીપુ નદીમાં નવા નીર આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં બનાસનદી બાદ સીપુ નદીમાં નવા નીર આવતા આજુબાજુના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સીપુ નદીમાં આવેલું પાણી સીપુ ડેમમાં સ્ટોર થાય છે અને સીપુ ડેમમાં પાણીની આવક થતા જ આજુબાજુના લોકો અને ખેડૂતોને મોટો ફાયદો થશે. આમ તો બનાસકાંઠા જિલ્લાના ત્રણેય ડેમ તળિયાઝાટક છે. પરંતુ દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીરની આવક થતા પાણીમાં વધારો થયો છે. સીપુ ડેમમાં પણ માત્ર 4 ટકા જેટલું જ પાણી હતું. ત્યારે હવે રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે સીપુ નદીમાં નવા નીર આવતા ડેમના પાણીમાં પણ વધારો થશે અને પાણી ના તળ ઊંચા થશે જેનો ફાયદો જિલ્લાવાસીઓને થશે.