સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં દીપડાનો ત્રણ વ્યક્તિઓ પર હુમલો
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં દીપડો છેલ્લા બે દિવસથી આતંક મચાવી રહ્યો છે. દીપડો દેખાયો હોવાની જાણ થતાં જ વનવિભાગ દ્વારા તેને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન રવિવારે વહેલી સવારે વાવ તાલુકાના રાધાનેસડા પાસે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા જ વન વિભાગની ટીમોએ તેને પકડવા માટે પાંજરૂ મુકી ટ્રેપ ગોઠવી હતી. જોકે લોકોને જોઈને ડરી ગયેલો આ દીપડો ભાગવા જતા વનવિભાગના ચોકીદાર શહીત બે લોકો પર હુમલો કર્યો હતો અને બંને લોકોને હાથ અને પગના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવથી હતપ્રત બનેલા આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા ડરી ગયેલો દીપડો નાસી જતા બંનેના જીવ બચ્યા હતા. જ્યારે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ વિભાગની ટીમોએ પણ લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી છે.