વિકાસના પોકળ દાવાઃ 357 વિદ્યાર્થી વચ્ચે માત્ર 3 ઓરડા... - Gujarati News
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા અંતરિયાળ સુલીયા ગામની પ્રાથમિક શાળા તથા આ વિસ્તારની ETV ભારતે ખાસ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટેની વાત કરી રહી છે, ત્યારે આજે પણ અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે જાણવાનો કોઈ પ્રયાસ કરાતો નથી. કપરાડાના સુલીયા ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણના 357 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 જ ઓરડા હોવાથી બેસવામાં એટલી અગવડ પડી રહી છે, કે અન્ય ધોરણના બાળકોને સ્કૂલ પરિસરના ઓટલા ઉપર બેસવું પડી રહ્યું છે. ચોમાસામાં વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ દયનીય બને છે. ત્યારે ETV ભારતની ટીમ કપરાડાના અંતરિયાળ વિસ્તારની મુલાકાતે પહોંચી હતી અને ત્યાંની પરિસ્થિતી અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.