મહિસાગરમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ શરૂ કરી ડાંગરની રોપણી
મહિસાગર: જિલ્લામાં જુલાઈ મહિનામાં વાવણી લાયક વરસાદ થતાં ડાંગરનું ધરૂ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં ઘટાડો થતાં ડાંગરનાં ધરૂની ખેડૂતો ફરી રોપણી કરી શક્યા ન હતા. છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદમાં વધારો થતાં મહિસાગર જિલ્લાનાં ખેડૂતોએ ડાંગરનાં ધરુઓની ફરી રોપણી કરી છે. મહિસાગર જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. અને જિલ્લામાં 43 હજાર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગરની ખેતી કરવા માટે વરસાદ અતિઆવશ્યક છે. ડાંગરની ખેતી માટે ધરૂ તૈયાર કરવું પડે છે અને પુરતો વરસાદ થાય ત્યારે જ ડાંગરનાં ધરૂની રોપણી કરવામાં આવે છે. આ વર્ષે સારો વરસાદ થતાં ખેડુતોમાં આનંદની લાગણી જોવાં મળી છે.