દાહોદના મુસ્લિમ બિરાદરોએ નાગરિકતા કાયદા વિરોધમાં પ્રાંત અધિકારીને આપ્યું આવેદન - પોલીસ વિભાગ બંદોબસ્ત
દાહોદઃ દેશમાં નાગરિકતા કાયદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ શુક્રવારની નમાઝ અદા કર્યા બાદ હૂસેનીચોકમા ભેગા થયા હતા. જ્યાં યોજાયેલી સભામાં હું ભારતીય છું, ના પ્લેકાર્ડ સાથે નાગરિકતા કાયદા અને NRCનો શાંત પણે વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા પણ અગમચેતીના પગલા રૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ નાગરિકતા કાયદાનો વિરોધ માટે એકત્ર થયેલા હૂસેનીચોક મુકામે DYSP સહિત પોલીસ કાફલો ખડા પગે જોવા મળતો હતો. મુસ્લિમ બિરાદરોએ બપોરે કાયદાનો વિરોધ કર્યા બાદ સાંજના સમયે દાહોદ મામલતદાર કચેરીએ પહોંચીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને નાગરિકતા કાયદા સામે પોતાના વિરોધના કારણો દર્શાવીને રજૂઆત કરી હતી.