PM મોદીના સૂચનના 'ગો ગ્રીન સ્લોગન' થીમ પર તૈયાર કરાઈ બાપ્પાની પ્રતિમા
પંચમહાલ: દેશના મોટાભાગના રાજ્યોમાં ગણેશ ઉત્સવને લોકો ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહથી ઉજવાતા હોય છે. જેમાં ગુજરાતનું એક પ્રથમ યુવતીઓ સંચાલિત ગોધરાના એક ગણેશ મંડળને આ વર્ષે આ ઉત્સાહમાં કમી જોવા મળી રહી છે અને જેનું કારણ છે આર્થિક મંદી... વાત છે ૨ વર્ષ પહેલા ગોધરા ખાતે ગોધરાની માત્ર યુવતીઓ દ્વારા ગણેશાય ગર્લ્સ ગ્રુપની સ્થાપના કરી અને જેમાં ગોધરાની તમામ યુવતીઓને જોડી ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આ યુવતીઓ દ્વારા પ્રધાનમંત્રી મોદી દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવને લઈને આપવામાં સૂચનોને પોતાના ગણેશ ઉત્સવની થીમ બનાવીને તેની ઉજવણી કરવામાં આવે છે અને તે પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરીને ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા ગો ગ્રીન સ્લોગનને લઈને જ આ યુવતીઓ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી અને લીલા ઘાસની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. તેમજ તેઓના પંડાલમાં આવતા દર્શનાર્થીઓને પ્રસાદ સ્વરૂપે એક છોડ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ગોધરાને પણ પ્રધાનમંત્રીના સંદેશ અનુસાર ગ્રીન બનાવી શકાય. પરંતુ આ તમામ આયોજન પાછળ અંદાજીત ૧.૫ લાખનો ખર્ચ થનાર છે અને યુવતીઓના આ ગ્રુપ પાસે હાલ દાનમાં આવેલી રકમ માત્ર ૪૦ હજાર જ છે. જેને લઈને આ યુવતીઓ હાલ મુંજવણમાં મુકાઈ છે.