ગોંડલના આશાપુરા-સેતુબંધ ડેમ વચ્ચેનો પુલ સેવાળના કારણે જોખમી બન્યો
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરના જીવાદોરી સમાન આશાપુરા ડેમ પાસે વહેતા વહેણને કારણે વ્યાપક પ્રમાણમાં સેવાળ જામ્યો છે. તેમ છતાં કેટલાંક વાહનચાલકો ત્યાંથી પસાર થવાની કુચેષ્ટા કરતા હોવાથી ધોબી પર પછડાટ ખાવાનો વારો આવી રહ્યો છે. હાલ આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હોવાથી રમૂજ પ્રસરી રહી છે. આ ઘટનાને રમૂજમાં લેવાના બદલે ગંભીરતાથી લેવાની ખાસ જરૂર છે. કારણકે, પછડાટ ખાવાથી હાથ-પગ કે શરીરના કોઈપણ ભાગમાં ફ્રેક્ચર થવાની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. પાલિકા તંત્ર દ્વારા આ જગ્યા પર સાઈન બોર્ડ મૂકવામાં આવ્યું છે સાથે સિક્યુરિટી મેનની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે. સદનસીબે આ પુલ પર ગ્રીલ છે અન્યથા કોઈપણ વાહન ચાલક સીધો લપસીને સેતુબંધ ડેમમાં પડે તો જીવનું જોખમ પણ થઈ જાય તેમ છે.