કચ્છમાં તંત્ર સામે કોરોના પરિક્ષણ ઘટાડી દેવાનો આરોપ
કચ્છ: છેલ્લા બે દિવસથી કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ વચ્ચે તંત્ર સામે કોરોના પરીક્ષણ ઘટાડી દેવાનો આરોપ થઈ રહ્યો છે. ગત દિવસોમાં એક સાથે 170 જેટલા સેમ્પલ લઈને પરીક્ષણ કરવાની તંત્રની કામગીરીને પગલે કચ્છમાં 4 દિવસમાં જ 50થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ વચ્ચે પરીક્ષણ રિપોર્ટમાં ખુબ સમય લાગી રહ્યો છે. તો બીજી તરફ તંત્રએ હવે સેમ્પલની સંખ્યા પણ ઘટાડી દીધાનું જાણવા મળી રહ્યું છે. શરૂઆતથી સેફઝોનમાં સંચાર માધ્યમો સાથે સંકલન રાખનાર તંત્ર હવે માહિતી છુપાવી રહી છે. બીજી તરફ રેડઝોન અને ખાસ કરીને મુંબઈથી આવેલા સંક્રમિતોના કારણે જ કચ્છમાં સ્થિતિ ગંભીર બન્યા બાદ તંત્ર કોઈ દબાણ હેઠળ આવી ગયાનું ચર્ચાઈ રહ્યું છે.