સુમુલ ડેરી ચૂંટણીમાં નવો વળાંક: રાજુ પાઠક જૂથના ભરત પટેલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી
સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી વધુ ટર્નઓવર ધરાવતી સુમુલ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જો કે, પ્રમુખ અને ઉપ-પ્રમુખના નામની જાહેરાત 4 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. જે પહેલાં ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. રાજુ પાઠક જૂથના ભરત પટેલ દ્વારા હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની ડિરેક્ટર તરીકે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગેરકાયદેસર છે અને જો તેમને ડિરેક્ટર બનાવવામાં આવશે, તો તાત્કાલિક ધોરણે ચૂંટણી પણ રદ કરવામાં આવશે. સામાન્ય રીતે કાયદામાં જોગવાઇ છે કે, રાજ્ય સરકાર તમામ સહકારી મંડળીઓને કેટલીક સહાય કરતી હોય છે. આ સહાય ઉપર નજર રાખવા માટે રાજ્ય સરકાર પોતાના 2 ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે.