રાજકોટમાં નકલી પત્રકારોની તોડબાજ ગેંગ ઝડપાઈ
રાજકોટઃ શહેરના થોરાળા પોલીસે નકલી પત્રકારોની ગેંગ ઝડપી પાડી છે. આ નકલી પત્રકારો રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલી પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓના દુકાન પર જઈને વેપારીને ધમકાવીને તેઓ ગેરકાયદેસર પ્લાસ્ટિક મટીરીયલ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તેમજ તેની દુકાન સીલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ મામલે નકલી પત્રકારો દ્વારા વેપારી પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરીને અમે સેંટિંગ કરી આપશું તેમ કહેતા વેપારીને પણ ઈસમો પર શંકા ગઈ હતી અને તેને આ સમગ્ર મામલે રાજકોટ થોરાળા પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નકલી પત્રકારોની ટોળકીને પકડી પાડી હતી. ઝડપાયેલા નકલી પત્રકાર પતિ પત્ની છે. જેમાં રીઝવાના ઈમ્તિયાઝ રાઉમા અને ઇમ્તિયાઝ રાઉમા સમાવેશ થાય છે. આ સિવાય પોલીસે આ મામલે કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નકલી પત્રકારોની ગેંગ ઝડપાતા શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.