તાપીના ભીતબુદ્રક ગામે 3 વર્ષીય દીપડો પુરાયો પાંજરે
તાપીઃ ઉચ્છલ તાલુકાના ભીતબુદ્રક ગામે 3 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પૂરતા જ ગ્રામજનો દીપડાને જોવા એકત્ર થયા હતા. પાંજરે પુરાયેલા દીપડાનો વનવિભાગે કબજો મેળવ્યો હતો. તાપી જિલ્લો જાણે વન્ય પ્રાણીઓનું અભિયારણ બની જવા પામ્યું છે. અહીંના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ દેખાવું ખૂબ જ સામાન્ય છે. તાપી જિલ્લાના ભીતબુદ્રક ગામે 15 દિવસ અગાઉ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. ત્યાર બાદ પણ અહીં વારંવાર દીપડાની અવરજવરના કારણે ચુનીલાલ નાઈકના ખેતરમાં વનવિભાગ દ્વારા અહીં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શનિવારે વહેલી સવારે 3 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાવાની વાત વાયુવેગે ફેલાતા લોક ટોળાઓ દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. વનવિભાગે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો મેળવી પ્રાથમિક પરીક્ષણ માટે ઉચ્છલ વનવિભાગ કચેરીએ લઈ જવાયો હતો.