ભરૂચમાં નિસર્ગ વાવાઝોડાની અસરનાં પગલે 1202 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર
ભરૂચઃ જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડા સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના પગલારૂપે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખાસ કરીને વાગરા, હાંસોટ, જંબુસરના દરિયા કિનારાના ગામોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 1202 વ્યક્તિઓનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. હાંસોટ તાલુકાના કંટીયાજાળ ખાતે 01 આશ્રયસ્થાનમાં 66 અસરગ્રસ્ત વ્યક્તિઓ, વાગરા તાલુકાના લખીગામ ખાતે 03 આશ્રયસ્થાનમાં 250 વ્યક્તિઓ, જાગેશ્વર ખાતે 03 આશ્રયસ્થાનમાં 15 વ્યક્તિઓને અને કલાદરા ગામે 01 આશ્રયસ્થાનમાં 200 અસરગ્રસ્ત વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સહિત વિવિધ જગ્યાએ જિલ્લામાં 17 આશ્રયસ્થાનોમાં 1202 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તરફ જંબુસરના દરિયાકાંઠાના વિસ્તારો અને જંબુસર નગરમાં ધૂળની ડમરી ઉડી હતી અને વાતાવરણ ધૂળિયું થઇ જતા વીઝીબલીટી ઓછી થઇ ગઈ હતી.