Valsad News: પાર નદી વચ્ચે બનેલા ટાપુ પર ત્રણ દિવસથી ફસાયેલા આધેડનું રેસ્ક્યુ
વલસાડ: પારડી ગામે પસાર થતી પાર નદીમાં માછલી પકડવા માટે ગયેલ આધેડ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદી વચ્ચે બનેલા પથ્થર અને ઝાડીના ટાપુ ઉપર ફસાઈ ગયો હતો. જેનું આજે ત્રીજા દિવસે માંગેલા લાઈફ સેવરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આજે પારડી ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટના રેસ્ક્યુઅર ટીમે હોડી લઇ જીવન જોખમે નદીના પાણીમાં જઈ ટાપુ ઉપર ફસાયેલા આધેડને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણકારી માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટ દ્વારા પારડીના મામલતદારને કરવામાં આવી હતી. રેસ્ક્યુ સમયે ગજાનંદ ભાઈની સાથે સાથે સ્થળ ઉપર પારડી મામલતદાર પણ હાજર રહ્યા હતા અને તમામ રેસ્ક્યુરનો આભાર પણ વ્યક્ર્ત કર્યો હતો. સાથે જ ટાપુ ઉપરથી હેમખેમ આવેલા ચણવાઈ ગામના આધેડે પણ રેસ્ક્યુર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અનેકની બચાવી છે જિંદગી:મહત્વનું છે કે માંગેલા લાઈફ સેવર ટીમ દ્વારા અત્યાર સુધીમાં અનેક નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારને તુરંત ઉગારી લેવા માટે વિશેષ કામગીરી કરવામાં આવે છે. નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ માટે પણ તેમના દ્વારા વહીવટી તંત્રને સાથ સહયોગ આપવામાં આવે છે. ત્યારે આજે વધુ એકને રેસ્કયુ કરીને ઉગારી લેવામાં આવ્યો હતો.