તાપીમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી - ટ્રક ચાલકોની હડતાળ
Published : Jan 3, 2024, 8:35 AM IST
તાપી :સમગ્ર રાજ્ય સહિત અલગ અલગ વિસ્તારોમાં હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધ અંતર્ગત ટ્રક ચાલકો સહિતના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. જેમાં પેટ્રોલના ટેમ્પો ચાલકો પણ હડતાળમાં જોડાયા હતા, જેને લઈને તાપી જિલ્લામાં પેટ્રોલની અછત સર્જાશે એવી ભીતિ સેવાતા જિલ્લાના અલગ અલગ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.
પેટ્રોલ પંપો પર લાઇનો જોવા મળી હતી : જિલ્લાના વ્યારા સોનગઢ સહિતના અનેક ગામોના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઇનો લાગી હતી. ટેમ્પો ચાલકો હડતાળમાં જોડાવાના સંકેત મળતાની સાથે જ લોકો પોતાના વાહન લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા.
હડતાળ સમેટવા અપીલ કરાઇ : કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ હિટ એન્ડ રન કેસમાં નવા કાયદાના વિરોધમાં 1 જાન્યુઆરીથી ચાલી રહેલી ટ્રાન્સપોર્ટરોની હડતાળને સમાપ્ત કરવા માટે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધિકારીઓ સાથે વાત કરી હતી. આ વાતચીત સફળ રહી અને બંને વચ્ચે સમાધાન થયું. આ પછી AIMTCના અધિકારીઓએ હડતાળ ખતમ કરવાની હાકલ કરી છે.