AMA Doctor on Call : અમદાવાદમાં દિવાળીના પાંચ દિવસ એએમએ ડોક્ટર ઓન કોલની સેવામાં જોડાયાં 52 તબીબ - એએમએ
Published : Nov 8, 2023, 7:56 PM IST
અમદાવાદ :દિવાળીનો તહેવારમાં ફટાકડાના કારણે આગના બનાવો બને ત્યારે ફટાકડાથી લોકો દાઝી ગયાં હોય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. આ પ્રકારની મેડિકલ ઇમર્જન્સીમાં તબીબી સારવાર મેળવવી અઘરી પડતી હોય છે કેમ કે સરકારી હોસ્પિટલની વાત કરીએ તો કેટલાક તબીબો દિવાળી વેકેશશની જાહેર રજાઓ પર હોય છે. ત્યારે આ સમાચાર રાહતરુપ બની રહેશે કે 108ની જેમ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના પર્વને લઈને ડોક્ટર ઓન કોલ સેવા ચાલુ રાખવામાં આવશે. છેલ્લા દસબાર વર્ષથી એએમએ દ્વારા આ અભિયાન ચાલે છે જેમાં આ વર્ષે પણ ડોક્ટર ઓન કોલની સેવા ચાલુ રાખવામાં આવશે. જેનું અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના પાંચ દિવસ ડોક્ટર ઓન કોલની સેવા ઉપલબ્ધ બની રહેશે. દર્દીને તકલીફ ન પડે અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેવાભાવી તબીબો એએમએ સાથે જોડાયા છે. 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ સેવા ચાલુ રહેશે. આ અભિયાનમાં 52 જેટલા નિષ્ણાત તબીબો જોડાયા છે જેમાં મેડિકલના દરેક ક્ષેત્ર જેમ કે સર્જન, ઓર્થોપેડિક સહિતના તમામ વિભાગના તબીબો સેવા આપવા હાજર રહેશે.