ઉત્તરાયણ પહેલા અકસ્માતની શરૂઆત, અમદાવાદમાં આર્મી જવાનનું પતંગની દોરીથી ગળું કપાયું - patang news
અમદાવાદ: ઉત્તરાયણને હજુ તો દોઢ માસ જેટલો સમય બાકી છે અને અત્યારથી જ પતંગના દોરાથી લોકોના ગળા કપાવવાના શરૂ થઈ ગયા છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાહન પર જઈ રહેલા આર્મી જવાનનું ગળું પતંગનાં દોરાથી કપાયું હતું. શાહીબાગ પાસે રિવરફ્રન્ટ પાસે આર્મીમાં ફરજ બજાવતો જવાન મહેશ દેસાઈ પોતાના વાહન પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની દોરી તેમના ગળા પર આવી જવાથી ગળું કપાયું હતું. આર્મી જવાન હિંમત દાખવીને જાતે જ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને સારવાર લીધી હતી. દોરી ગળા પર વાગતા ખૂબ જ લોહી પણ વહી ગયું હતું, જેથી ગળા પર 20 જેટલા ટાંકા પણ લેવામાં આવ્યા છે. હાલ જવાનની હાલત સ્થિર છે અને તેમને રાજસ્થાન હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.