જામનગર પંથકમાં મેઘરાજાની પધરામણી, ત્રણ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી
જામનગરઃ જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન થયું છે.ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જામનગર શહેર 64 મીમી વરસાદ પડ્યો છે, તો કાલાવડમાં 60 મીમી અને લાલપુરમાં 23 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે જોડીયામાં 26 મીમી, જામજોધપુરમાં 62 મીમી અને ધ્રોલમાં 12મીમી વરસાદ પડયો હતો. જામનગરમાં વરસાદના કારણે દિગજામ સર્કલ પાસે આવેલ ખેતીવાડી બાજરા સંશોધન કેન્દ્રમાં પાણી ભરાયા હતા. જેના કારણે બાજુમાં આવેલા રાજીવ નગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. દર વર્ષેની જેમ આ વર્ષ પણ વિસ્તારના લોકોને ચોમાસાની સિઝનમાં હેરાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે, પાણી રાજીવનગરમાં ન આવે, તે માટે તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. દર વર્ષે રાજીવ નગરમાં વરસાદી પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.