રાજકોટમાં કોંગ્રેસે મૌન ધરણા કાર્યક્રમ યોજ્યો, પોલીસે કરી 50થી વધુ લોકોની અટકાયત
રાજકોટ: ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં આજે (સોમવારે) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે મૌન ધરણા યોજાયા હતાં. શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને હાથરસની ઘટનાનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો, પરતું પોલીસ દ્વારા કોંગ્રેસના મૌન ધરણા કાર્યક્રમમાંથી કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાંથી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસને ધરણા કાર્યક્રમની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા 50 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.