ન્યૂઝ ડેસ્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, કોર્નિયલ (નેત્રપટલ) બિમારી એ દ્રષ્ટિની ખામી અને અંધાપા પાછળનાં મહત્વનાં કારણો પૈકીની એક છે. આ સ્થિતિમાં, તમે કરેલું ચક્ષુદાન કોઇ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની આંખોમાં ઓજસ પાથરી શકે છે. જો તમે આ સરળ દાન કરો, તો ભારતમાં 30 લાખ જેટલા લોકો (જે પૈકીના મોટાભાગના 12 વર્ષ કરતાં નીચેની વયનાં બાળકો છે) તેમની દ્રષ્ટિ પરત મેળવી શકે છે.
કોણ ચક્ષુદાન કરી શકે?
- તમામ વય, જાતિ (લિંગ), વર્ણ, બ્લડ ગ્રૂપ કે ધર્મનાં લોકો
- ટૂંકી કે દૂરની દ્રષ્ટિ માટે ચશ્માં કે લેન્સ પહેરતાં લોકો અથવા તો આંખનું ઓપરેશન કરાવ્યું હોય, તેવાં લોકો
- ડાયાબિટીસ, હાઇપરટેન્શન, અસ્થમા અને ચેપી ન હોય તેવી બિમારી ધરાવતા લોકો
કોણ ચક્ષુદાન ન કરી શકે?
- એઇડ્ઝ, હિપેટાઇટિસ બી અથવા સી, કોલેરા, ટિટેનસ, તીવ્ર લ્યુકેમિયા, સેપ્ટિકેમિયા, મેનિન્જાઇટિસ અથવા ઇન્સેફેલિટીસથી સંક્રમિત હોય અથવા તો તેના કારણે મૃત્યુ પામ્યાં હોય, તેવાં લોકો.
ચક્ષુદાન કેવી રીતે કરવું?
તમે એક ફોર્મ ભરીને તમારી આંખોનું દાન કરી શકો છો. આ ફોર્મ તમામ મોટી હોસ્પિટલોમાં તેમજ આઇ બેંકમાં ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે તે માટે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકો છો.https://www.ebai.org/donator-registration/
આંખોનું દાન કરતી વખતે તમારા પરિવારની સંમતિ લો, કારણ કે તેમણે વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. જો તમે આંખોનું દાન કરવાનો નિર્ણય કરશો, તો તમને એક વ્યક્તિગત આઇ ડોનર કાર્ડ આપવામાં આવશે.
- મૃતકે મૃત્યુ પામતાં પહેલાં સત્તાવાર રીતે ચક્ષુદાન કરવાનો નિર્ણય ન કર્યો હોય, તો પણ પરિવારનો કોઇ સભ્ય મૃતકની આંખોનું દાન કરવા માટે સ્વૈચ્છિક ધોરણે વિનંતી કરી શકે છે.
- વ્યક્તિના મૃત્યુ પછી, દાતાના પરિવારે તાત્કાલિક ધોરણે નજીકની અને અધિકૃત આઇ બેંકને જાણ કરવાની રહે છે. આ સિવાય તમે ભારતનાં તમામ રાજ્યોમાં 24*7 ઉપલબ્ધ રહેતા ટોલ ફ્રી નંબર – 1919 પર પણ ફોન કરી શકો છો.
- મૃતકની આંખો બંધ કરો અને પંખા બંધ કરી દો અને એર કન્ડિશનર અથવા કૂલર ચાલુ રાખો.
- ઓશીકાંની મદદથી તેમનું માથું ઊંચું રાખો અને તેમની આંખો પર રૂ કે કપડું ભીનું કરીને રાખો.
- દાતાના મૃત્યુના છથી 8 કલાકની અંદર આંખો લઇ લેવી જોઇએ.
- આ પ્રક્રિયા ઘરે અથવા તો હોસ્પિટલમાં હાથ ધરી શકાય છે.
- આ પ્રક્રિયા તાલીમબદ્ધ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે અને આંખો કાઢવાની પ્રક્રિયામાં માત્ર 10-15 મિનિટનો સમય લાગે છે.
- માત્ર કોર્નિયા (નેત્રપટલ) જ કાઢી લેવામાં આવે છે, સમગ્ર ડોળો નહીં. આથી, ચહેરો વિકૃત થતો નથી.
- દાતા અને તેમના પરિવારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
- ચક્ષુદાનની પ્રક્રિયામાં કોઇ પૈસા કે ફી લેવામાં આવતાં નથી.
- એક વખત ચક્ષુદાન થઇ જાય, ત્યાર બાદ સંસ્થાઓ સુસંગત મેળ (જે લોકોને તેની જરૂર હોય)ની તપાસ આદરે છે અને ત્યાર પછી ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આંખો મેળવનાર વ્યક્તિ તેની દ્રષ્ટિ પરત મેળવી શકે, તે માટે તેના પર સર્જરી કરવામાં આવે છે.
ચક્ષુદાન અંગે ઘણી ગેરમાન્યતાઓ તથા અંધશ્રદ્ધા પ્રવર્તે છે, પણ વ્યક્તિએ હંમેશા તથ્ય જાણવું જોઇએ. તમારી આંખો થકી તમે બે કોર્નિયલ અંધ વ્યક્તિઓને દ્રષ્ટિ આપી શકો છો. આથી, ગેરમાન્યતાથી દોરવાશો નહીં અને હકીકતને જાણો. મૃત્યુ બાદ જ્યારે તમારી આંખો તમારા માટે બિનઉપયોગી બની જાય છે, ત્યારે અન્ય કોઇ વ્યક્તિ તેની આંખો વડે આ સુંદર વિશ્વ જોઇ શકશે. તો, આ ઉમદા હેતુનો સંકલ્પ કરો અને માનવજાતના કલ્યાણઅર્થે તમારું યોગદાન આપો!