વલસાડના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામમાં આયોજીત લગ્નોત્સવની ગ્રહશાતકથી શરૂઆત કરી તમામ વરરાજાઓનો વાજતો-ગાજતે વરઘોડો કાઢી મંડપમાં લાવવામાં આવ્યા હતા. વરઘોડામાં ડ્રોનથી ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે નવદંપતિઓને સુખી લગ્ન જીવનનાં આશીર્વચન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમૂહલગ્નમાં જોડાવાથી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી બચી શકાય છે. સમૂહલગ્નના સૌ સહયોગીઓ અભિનંદનને પાત્ર છે.
વલસાડમાં ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન, વન અને આદિજાતિ પ્રધાન રહ્યા ઉપસ્થિત
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં 53 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. આ સમારોહમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન તેમજ જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી હતી.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે નવદંપપિઓનું લગ્ન જીવન આનંદમય અને સુખમય રહે તેવા શુભાશિષ પાઠવતાં જણાવ્યું હતું કે, આજે નવદંપતિઓ લગ્નજીવનની મંગલમય શરૂઆત કરશે ત્યારે હસ્તમેળાપ પછી મનમેળાપ ખૂબ જ અગત્યનો છે. નવવધુને તેમનું નવા ઘરને પોતાનુ જ ઘર સમજી રહેવા, અને તેમની રહેણીકરણીને એડજસ્ટ કરી પોતાની ફરજ અદા કરવા જણાવ્યું હતું. વાપીના કપિલ સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ આપણા સૌના માટે ગૌરવનો પ્રસંગ છે. સામાજિક કાર્યોની સરવાણી એક-પછી એક શવલસાડ જિલ્લામાં વહી રહી છે. સમૂહલગ્ન આજની આવશ્યકતા છે, અને સાચું ધર્મકાર્ય એ કન્યાદાન છે, ત્યારે સમૂહલગ્નમાં એકી સાથે અનેક કન્યાઓને કન્યાદાન કરવાનો લાભ લેવો જ જોઇએ. ધર્મ સૌને જોડવાનું કામ કરે છે. અહીં ધર્મ અને રાષ્ટ્રના વિકાસ માટે સૌનો સહયોગ મળી રહયો છે, જે આવકારદાયક છે.
લગ્નનાં તાંતણે જોડાનાર નવદંપતિઓને કન્યાદાન આપનાર રાજુભાઇ હાલાણી, મુરલી એન. વર્મા, બાબુલાલ વર્મા, પંકજભાઇ બોરલાઇવાલા સહિત અન્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ સહિત સંતો-મંહતો, ઉદ્યોગપતિઓ, સામાજીક આગેવાનો અને યુગલોના સગા-સંબધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.