- વાપી રેલવે સ્ટેશનને કોરોનાનું ગ્રહણ
- રોજિંદી 17 લાખની આવક સામે માત્ર 5 લાખની આવક
- 84 ટ્રેનના સ્ટોપેજ સામે માત્ર 40 ટ્રેનના જ સ્ટોપેજ
વાપીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે દેશમાં જેમ વેપાર ધંધા ઠપ્પ છે. તેવી જ રીતે પશ્ચિમ રેલવે વિભાગને રોજની કરોડોની નુકસાની સહન કરવી પડી રહી છે. વાપી રેલવે સ્ટેશને કોરોના કાળ પહેલા 84 ટ્રેનના સ્ટોપેજ હતા. દરરોજની 17 લાખ જેવી માતબર રકમની આવક મળતી હતી. હજારો મુસાફરોને તેમના સ્થાને પહોંચાડવામાં આવતા હતાં. જોકે હાલ વાપી રેલવે સ્ટેશને માત્ર 4 થી 5 લાખની આવક થઈ રહી છે. દરરોજની અંદાજીત 13 લાખની આવક ગુમાવી રહ્યું છે તો, રેલવે સ્ટેશન રોજગારી મેળવતા ટેક્સી ચાલકો અને રીક્ષા ચાલકોએ પણ પોતાની રોજગારી ગુમાવી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આવક મેળવતું રેલવે સ્ટેશન
કોરોના કાળમાં વાપી રેલવે સ્ટેશનની આવકમાં દૈનિક 13 લાખ જેટલી માતબર આવકનો ઘટાડો
કોરોના કાળ પહેલા રોજના 17 લાખની માતબર આવક મેળવતા વાપી રેલવે સ્ટેશને હાલ રોજની માત્ર 4 લાખ ની જ આવક થાય છે. તો 84 ટ્રેનના સ્ટોપેજ સામે માત્ર 40 ટ્રેન અને તે પણ સ્પેશ્યલ ટ્રેનના જ સ્ટોપેજ હોય ટેક્સી ચાલકો અને રીક્ષા ચાલકોની પણ રોજગારી છીનવાઈ છે.
વાપી રેલવે સ્ટેશન મુસાફરોને તેમના સ્થાને પહોંચાડી મબલખ આવક મેળવવામાં A ગ્રેડનું મહત્વનું રેલવે સ્ટેશન છે. કોરોના મહામારી પહેલા વાપી રેલવે સ્ટેશને કુલ 84 ટ્રેનના સ્ટોપેજ હતાં. દરરોજના 25 હજાર જેટલા મુસાફરોના આવાગમન સાથે દૈનિક 17 લાખની આવક સાથે વાર્ષિક 60 કરોડથી પણ વધુ આવક રળતું રેલવે સ્ટેશન હતું.
કોરોના મહામારીમાં રેલવે સેવા પર ગંભીર અસર
કોરોના મહામારીમાં વાપી રેલવે સ્ટેશને માત્ર 40 ટ્રેનના સ્ટોપેજ છે. કર્ણાવતી, અવધ એકપ્રેસ, હમસફર જેવી સ્પેશ્યલ ટ્રેન સિવાય હાલ કોઈ લોકલ ટ્રેન રેલવેના આ મહત્વના સ્ટેશન પર થોભતી નથી. કોરોનાની મહામારીને કારણે રેલવે સેવા પર આ ગંભીર અસર પડી છે.
ટેક્સી ચાલકો, રીક્ષા ચાલકોની રોજગારી છીનવાઈ
હાલ વાપી રેલવે સ્ટેશને માત્ર સ્પેશ્યલ ટ્રેનમાં જનારા મુસાફરો જ આવે છે. જેમને કારણે અહીં રોજગારી મેળવતા રીક્ષા ચાલકો, ટેક્સી ચાલકોની રોજગારીને પણ માઠી અસર વર્તાઈ છે. તેઓને પૂરતા પેસેન્જર મળતા નથી. તેમના જણાવ્યા મુજબ સ્પેશ્યલ ટ્રેનમાં લાંબા અંતરે જવા વાળા મુસાફરો હોય છે. જ્યારે લોકલ ટ્રેનમાં સ્થાનિક અને આસપાસના વિસ્તારના મુસાફરો આવાગમન કરતા હોય છે. એટલે પહેલાની સરખામણીએ ભાડા ઓછા મળી રહ્યા છે.
રોજની 13 લાખની આવક ગુમાવી
ઉલ્લેખનીય છે કે હાલમાં જે પણ મુસાફર વાપી રેલવે સ્ટેશનથી જઈ રહ્યા છે અથવા તો આવી રહ્યા છે તેની ટ્રેન મુજબની સરેરાશ માત્ર 1000 થી 1500 છે. મુસાફરોથી ઉભરાતું વાપી રેલવે સ્ટેશન એ રીતે જોતા ખાલીખમ ભાસી રહ્યું છે. એક સમયે દૈનિક હજારો પ્રવાસીઓ થકી લાખો અને વાર્ષિક કરોડો રૂપિયાની આવક મેળવતા વાપી રેલવે સ્ટેશનની આ આવક પર કોરોના કાળના પંજાએ બ્રેક મારી દીધી છે અને રોજની 13 લાખની આવક ગુમાવવી પડી છે.