વલસાડ: સંઘપ્રદેશ સેલવાસના અને વાપી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં રાત્રી દરમિયાન સિક્યુરિટી ગાર્ડને ડરાવી ધમકાવી કિંમતી માલસામાનની ચોરી કરતી ગેંગને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જિલ્લામાં થયેલી ધાડ-લૂંટનો અને સેલવાસની 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કાર-બાઇક અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓએ કબૂલાત કરી છે કે, તેઓ સેલવાસ અને વલસાડની અનેક કંપનીમાં ચોરી કરી ચુક્યા છે.
વલસાડ પોલીસે લૂંટ કરતી ગેંગની ધરપકડ કરી, વાપી-સેલવાસના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપી-સેલવાસમાં ઔદ્યોગિક એકમોમાં ધાડ-લૂંટ કરતી ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે વાપી-સેલવાસમાં થયેલી 7 ચોરીના ભેદ ઉકેલ્યાં છે. ઈસમોએ વાપી નજીક તંબાડી અને નાના પોન્ઢા ગામની કંપનીમાં થોડા દિવસ પહેલા લૂંટનો પ્રયાસ કર્યો હતો. હાલ ધરપકડ કરવામાં આવેલા તમામ 11 આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ
પોલીસના હાથે ઝડપાયેલા 11 આરોપીઓ એક સાથે લૂંટ કે ચોરી કરવા જતાં હતાં. જેથી સામે વાળા તેમનો પ્રતિકાર કરવાને બદલે ડરી જતા હતાં, અને આરોપીઓ ચોરી-લૂંટ-ધાડ જેવા ગુનાને અંજામ આપતા હતાં. આ ગેંગ પોતાની પાસે હથિયાર પણ રાખતા હતા. જે હથિયારથી પણ લોકોને ડરાવતા હતાં.