વલસાડઃ નગરપાલિકામાં વસવાટ કરતા મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં કચાસ રાખવામાં આવ્યો છે. વલસાડ પાલિકા હદ વિસ્તારમાં આવતી અનેક વિગતો એવી છે કે, જેના મિલકત ધારકોએ છેલ્લા પાંચથી દસ વર્ષ સુધી એક પણ રૂપિયો વેરો પાલિકામાં ભર્યો નથી. આવા મિલકત ધારકો સામે લાલ આંખ કરતા પાલિકા એક્શન મોડમાં આવી છે અને નગરપાલિકા દ્વારા ચાર જેટલી ટીમો બનાવી વલસાડમાં વિવિધ વોર્ડમાં આવી મિલકતોને શોધી કાઢી આવા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરતા કેટલીક મિલકતો સીલ કરવામાં આવી છે. તો કેટલાક મિલકત માલિકોના પાણીના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે.
વેરો નહિ ભરનારા સામે વલસાડ પાલિકા એક્શન મોડમાં, મિલકત સિલ કરવાની કામગીરી શરૂ થતાં ફફડાટ
વલસાડ શહેરમાં વિવિધ મિલકત ધારકો દ્વારા છેલ્લા પંદર કે પાંચ વર્ષથી વેરો ન ભરતા હોય એવા મિલકત ધારકો સામે વલસાડ પાલિકાએ લાલ આંખ કરી એક્શન મોડમાં આવી ચૂકી છે. વલસાડ પાલિકા દ્વારા ચાર જેટલી ટીમ બનાવી વલસાડના વિવિધ વોર્ડમાં વેરો બાકી હોય એવી મિલકતોને સીલ કરવાની કામગીરી, કેટલાંક મિલકત ધારકોના નળ કનેકશન કાપવાની તેમને વેરો ભરી જવા માટે ચીમકી આપવામાં આવી છે. તો કેટલીક મિલકતો ઉપર નોટિસ ચોંટાડી તેઓને તાત્કાલીક અસરથી વેરો ભરી જવા માટે જણાવવામાં આવતા વેરો નહિ ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે
વલસાડ પાલિકાનો અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વેરો બાકી બોલે છે. પાલિકામાં કુલ 45000 જેટલા મિલકત ધારકો છે, જેમાં 36000 જેટલા ધારકો દ્વારા વેરો ભરવામાં આવે છે, જ્યારે બાકીનાં 9000 ધારકો દ્વારા વેરો ન ભરવામાં આવતા શરૂ થયેલી કામગીરીના પગલે 3000 મિલકત ધારકો વેરો ભરી ગયા છે. જ્યારે હજુ અન્ય ધારકોના વેરા બાકી બોલે છે જે માટે શરૂ થયેલી આ કામગીરીને પગલે વેરો નહીં ભરનારા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડના વોર્ડ નંબર 5 અને 6માં પાલિકાની એક ટીમ દ્વારા શનિવારના રોજ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે મિલકત વેરો નહીં ભરનારા લોકો આજીજી કરતા પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પાલિકા દ્વારા બનાવવામાં આવેલી ચાર જેટલી ટીમો દ્વારા વલસાડના વિવિધ વિસ્તારોમાં વેરો નહીં ભરનારા ઓનું લિસ્ટ સાથે તેમની મિલકત શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે અને હજુ આગામી ૭થી ૮ દિવસ ઝૂંબેશ ચાલશે.