ભાજપના ઉમેદવાર કે.સી પટેલનો વીડિયો વાઈરલ, યુવાનોના સવાલોના જવાબ આપી ન શક્યા
વલસાડ: ધરમપુરના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવારને યુવાનોએ ઘેરી પ્રશ્ન કરતા જવાબ આપવાને સ્થાને અરજી આપી જજો કહી ડૉકટર કે.સી.પટેલે ચાલતી પકડી લેતા યુવાનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
સ્પોટ ફોટો
હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વલસાડ અને ડાંગ બેઠક ઉપર બંને નિશ્ચિત ઉમેદવારો પોતાના લોકસભા બેઠકના ગામોમાં પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધું છે, તો કેટલાક ઉમેદવારો જે 5 વર્ષ બાદ ચૂંટણી ટાણે જ ગામમાં દર્શન માટે આવ્યા હોય જાગૃત મતદારો ના વેધક સવાલોના જવાબો આપવા ભારી પડી રહ્યા છે.
વલસાડના ભાજપના ઉમેદવાર ડો.કે.સી પટેલ, જિલ્લા પ્રમુખ કનુ દેસાઈ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને ઠાકોર ભાઈ પટેલધરમપુરના રાજપુરી તલાટ ગામે પ્રચાર અર્થે ગયા હતા,જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક યુવાનોએ ડૉકટર સમક્ષ પોતાની રજુઆત મુકવાની તૈયારી દર્શાવી તેમને કહ્યું કે ગઇ ચૂંટણીમાં યુવાનોને રમતગમતના સાધનો આપવા માટે તમે વાયદો કર્યો હતો. તેમ છતાં તે વાયદો જૂઠો સાબિત થયો હવે આ વખતે યુવાનોને મળશે કે કેમ જેવા સવાલો કરતા ડૉકટર યુવાનોની વાત સાંભળી ના સાંભળી કરી માત્ર એટલું કહ્યું હતું કે, અરજી આપી જજો, જેને લઈને યુવાન મતદારોમાં ભારે રોષ ભરાયો હતો.
યુવાનોનું કહેવું હતું કે, જે વ્યક્તિ ચૂંટણી પહેલા જો મતદારોનું સંભાળવા તૈયાર ન હોય તે ચૂંટણી જીત્યા બાદ કેવા કામો કરશે. જો કે, આ સમગ્ર બાબતનો વીડિયો હાલ વલસાડના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખાસ કરીને ભાજપનામાં ભારે ચકચાર જગાવી છે. આ વીડિયો સાથે એવી અફવાઓ ફરતી થઈ છે કે ડૉકટર કે.સી. પટેલને રાજપુરી તાલટ ગામેથી ભાગવું પડ્યું જોકે એ વાત તથ્ય વિહીન છે, પરંતુ યુવાનોના સવાલોના જવાબ આપવામાં ડોકટર નિષ્ફળ રહ્યા હતા અને ક્યાંકને ક્યાંક આ વ્યવહાર તમને નડી શકે એમ છે.