ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની કેરીના રસીયાઓ માટે માઠાં સમાચાર, કમોસમી વરસાદથી આંબાની મંજરીઓમાં ભારે નુકસાન - હવામાનવિભાગ

હવામાન વિભાગે કરેલી આગાહીની શાખ રાખતાં હોય તેમ મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ઝીંકી દીધો છે. ત્યારે કેરીઓ માટે જાણીતા એવા વલસાડના આંબાવાડીયા માલિકો માટે આજનો વરસાદ નુકસાનીનું કારણ બની શકે છે. આંબા પર લાગેલી મંજરીની કણીઓ વરસાદના કારણે નિષ્ફળ જવાની ભીતિ વરસાદે ઊભી કરી દીધી છે.

વલસાડની કેરીના રસીયાઓ માટે માઠાં વાવડ, કમોસમી વરસાદથી આંબાની મંજરીઓમાં ભારે નુકસાન
વલસાડની કેરીના રસીયાઓ માટે માઠાં વાવડ, કમોસમી વરસાદથી આંબાની મંજરીઓમાં ભારે નુકસાન

By

Published : Mar 6, 2020, 9:12 PM IST

વલસાડઃ વરસાદે ઉત્તર-મધ્ય ગુજરાત ઘમરોળ્યાં બાદ આજે દક્ષિણ ગુજરાત તરફ રાહ પકડી છે. કેરી માટે જાણીતા વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ પડતાં આંબાવાડીયાં ધરાવતા ખેડૂતો માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ પડી રહેલા વરસાદને પગલે આંબા પર બેસી ગયેલાં મ્હોરને ભારે નુકસાન થયું છે. આ સ્થિતિને લઇને કેરીના પાકમાં મોટા નુકસાનની દહેશત જોવાઈ રહી છે.

વલસાડની કેરીના રસીયાઓ માટે માઠાં વાવડ, કમોસમી વરસાદથી આંબાની મંજરીઓમાં ભારે નુકસાન

કેરીના પાક માટે હાલનો સમય અગત્યનો છે. આ સમયમાં માર્ચમાં આંબાની મંજરી ઉપર કેરીની કણીઓ બેસવાનો સમય હોય છે અને આવા સમયે જો વાતાવરણમાં પલટો આવે કે કમોસમી વરસાદ પડે તો તેમાં ફૂગ અને ફંગસ લાગી જતા કેરીના પાકને નુકસાન પહોંચે છે. આજના વરસાદને કારણે આવી પરિસ્થિતિ સ્રજાઈ હોવાથી વલસાડ જિલ્લામાં ખેડૂતોને ચિંતામાં મૂકી દીધાં છે. જિલ્લામાં કેટલા વિસ્તારમાં કેરીનો પાક છે અને કેટલા પાકને નુકસાન થયું છે તેની માહિતી હવે સામે આવે તેની શક્યતા છે.

વહેલી પરોઢથી પડેલા કમોસમી વરસાદને કારણે માત્ર કેરીના પાકને જ નહીં સાથેસાથે શાકભાજી અને કઠોળના પાકોને પણ નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે કુદરત જાણે ખેડૂતો પર રુઠી હોય તેમ વાતાવરણની અસમાનતા વારંવાર સર્જાઈ રહી છે. વલસાડની હાફૂસ કેરીઓ તો ભારતના ફૂડ એક્પોર્ટ વેપારમાં પણ શાખ ધરાવે છે ત્યારે લાગી રહ્યું છે કે, આ વર્ષે કેરીના રસીયાઓએ કેરીનો ટેસ્ટ કંઇ જુદો લાગી શકે છે.

ABOUT THE AUTHOR

...view details