વલસાડ: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉન શરૂ થતાં અનેક લોકો જેતે વિસ્તારમા કામ અર્થે ગયા હતા તેઓ તમામ ફસાઈ ગયા હતા. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 20થી વધુ મજૂરો જે મહારાષ્ટ્રના સતારામાં મજૂરી કામે ગયા હતા. તેઓ તમામ 46 દિવસના લોકડાઉન બાદ યેનકેન પ્રકારે રાજકારણીઓ અને વહીવટી તંત્રને જાણકારી આપ્યા બાદ અનેક દુઃખ દર્દ ભોગવતા રાત્રે 2 વાગ્યે કપરાડાના સુથારપાડા ખાતે પહોંચ્યા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિવિધ ગામોના શ્રમિકો જે દ્રાક્ષની વાડીઓમાં મજૂરી કામ અર્થે ગયા હતા, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા. લોકડાઉન જાહેર થતાં તેઓ ત્યાં સતારાના ગિરવી ગામે ફસાઈ ગયા હતા. બીજુ લોકડાઉન લંબાઇ જતા તેઓ પાસે અનાજ અને પૈસા પણ ખૂટી જતા તેઓની મુશ્કેલી વધી હતી. તેમણે વલસાડ જિલ્લાના સાંસદ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાનામંત્રીને પણ ટેલિફોનિક રજૂઆત કરી પણ તમામ લોકોએ તેમને સંતોષકારક જવાબ આપ્યો ન્હતો.
લોકડાઉનમાં મહારાષ્ટ્રના સતારામાં ફસાયેલા કપરાડાના 20 લોકો પરત થયા જો કે, જ્યારે ત્રીજુ લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે તેમણે કોઈ પણ રીતે ઘરે પહોંચવા માટેની જીદ પકડી અને આખરે તેમને પ્રધાન ગણપત વસાવા સાથે સંપર્ક સાધ્યો હતો. મહારાષ્ટ્રના વહીવટી તંત્ર સાથે વાતચીત કર્યા બાદ આ તમામ મજૂરો સ્વખર્ચે ખાનગી લકઝરીમાં ગઈ કાલે બપોરે 2 વાગ્યા બાદ ત્યાંથી નીકળ્યા અને તે બાદ તમામ રાત્રે 2 વાગ્યે ગુજરાતની બોર્ડર ઉપર આવેલ સુથારપાડા ગામે ઉતર્યા હતા. જ્યાં આ તમામને સ્ક્રિનીંગ કરી હાલ બારપૂડા તપાસ કર્યા બાદ કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
મહત્વ નું છે કે, મહારાષ્ટ્રથી પરત થયેલા આ તમામ 20 લોકોને હાલ આરોગ્ય વિભાગની ટીમે હોમ કોરેન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. જો કે, અનેક પીડાઓ ભોગવીને આવેલા શ્રમિકોએ જણાવ્યા મુજબ હવે પછી ક્યારે પણ તેઓ રાજકારણીઓ પર વિશ્વાસ નહીં કરે એમાં પણ સ્થાનિક રાજકારણીઓ ઉપર તેમણે રોષ વ્યકત કર્યો હતો.