કપરાડા તાલુકાના માંડવા ગામે ગત રાત્રિ દરમિયાન પુનાથી ખાંડની બોરી ભરીને નીકળેલી અને સુરત જતી ટ્રકના ચાલકે કુંભ ઘાટ નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ટ્રક જમીનમાં ધસી ગઈ હતી આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ થઇ હતી.
કપરાડાના માંડવા કુંભઘાટ નજીક ખાંડ ભરેલી ટ્રક પલટી
વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકામાં નાસિકને જોડતા રોડ ઉપર અકસ્માતના બનાવો બનતા રહે છે. કપરાડા રોડ ઉપર માંડવા ગામે ખાંડ ભરેલી ટ્રકે પલટી મારી હતી. જેથી ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ થઇ હતી.
જો કે, સ્થળ પર આ ઘટના જોનારાનું કહેવું હતું કે, ટ્રકને જોયા બાદ એવું જ લાગતું હતું કે ચાલકનું મોત થયું હશે. પરંતુ ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રકમાં સવાર ક્લીનર અને ચાલકને ટ્રકની બહાર કાઢ્યા હતા.
આ ઘટનાની જાણ ટ્રક માલિકને થતા તેઓ પણ સુરતથી તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને નુકસાન પામેલી ટ્રકને બહાર કાઢવાની કોશિશ આદરી હતી. નોંધનીય છે કે, કપરાડાના કુંભઘાટ વિસ્તારમાં રાત્રી દરમ્યાન આવતા અનેક વાહનો ઢાળમાં પુરપાટ ઝડપે આવતા હોય છે. જેના કારણે અનેક વાર અકસ્માતો બનતા હોય છે.