- ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કર્યું
- નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં 300થી વધુ લોકોનું સ્થળાંતર
- NDRF ની એક ટુકડીને દરિયા કિનારે તૈનાત કરાઈ
ઉમરગામ: આવનાર થોડા સમયમાં તૌકતે વાવાઝોડું રાજ્યના દરીયા કિનારે પહોંચશે. જેથી સતર્કતાના ભાગરૂપે કાઠાંના વિસ્તારમાં જાનમાલની નુકસાની ન થાય તે માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના નારગોલ સહિતના ગામમાં સ્થાનિક લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. દરિયા કિનારે NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
લોકોને શાળામાં ખસેડવામાં આવ્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ઉમરગામ નગરપાલિકા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને NDRFની ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉમરગામ નગરપાલિકાના આરોગ્ય ચેરમેન મિલિંદ સોનપાલે વિગતો આપી હતી કે તૌકતે વાવાઝોડાને પગલે વોર્ડ નંબર 4 ના નવીનવગરી વિસ્તારમાંથી સ્થાનિક લોકોને કન્યાશાળા અને બારીયા સમાજ હોલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમને માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તૌકતે વાવાઝોડાને કારણે ઉમરગામ કાંઠા વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં ખસેડયા નારગોલમાં 120 લોકોનું સ્થળાંતરગ્રામ્ય વિસ્તાર ગણાતા નારગોલ, ગોવાડા, દહેરી વિસ્તારોમાં પણ ગામલોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા ગામમાં શાળાઓ અને સમાજવાડીઓમાં લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નારગોલ ગામના સરપંચ કાંતિ કોટવાલે જણાવ્યું હતું કે નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાંથી 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેઓને નારગોલ ગામની ટાટા વાડિયા હાઈસ્કૂલ ખાતે ખસેડયા છે. જ્યાં તમામ લોકો માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડાથી લોકોને બચાવવા સુરત પહોંચી 2 NDRFની ટીમ
લોકોમાં વાવાઝોડા સાથે કોરોના સંક્રમણનો ભય
જો કે શેલ્ટર હોમમાં ખસેડાયેલા લોકોમાં દહેશત ઉઠી હતી કે એક તરફ કોરોના મહામારી ફેલાયેલી છે. લોકોએ સામાજિક અંતર જાળવવું જરૂરી છે. તૌકતે વાવાઝોડામાં એક જ શેલ્ટર હોમમાં 100થી વધુ લોકોએ એકસાથે જ રહેવાની નોબત આવી છે. જેને લીધે વાવાઝોડામાં નુકસાનની દહેશત સાથે કોરોનાનો ચેપ લાગવાનો ભય વધુ ડરાવી રહ્યો છે.
વાવાઝોડાં ને કારણે સવારથી રિમઝીમ વરસાદ
વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને કારણે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી રિમઝીમ વરસાદ વરસી રહ્યો છે. પવનની ગતિ વધી છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે.