વલસાડ: કોરાના વાઈરસની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અફવા અને સમાજની લાગણી દુભાય તેવા મેસેજ કરી રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડાને સોશિયલ મીડિયાના માધ્યમથી કોવિડ-19ને લઇ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ મુકવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસ દરમિયાન વાપી GIDCના રવેશિયા પાર્કમાં શિવમ બિલ્ડિંગમાં રહેતા મદનપુરી ઉર્ફ મદમ ચંદ્રશેખર ચૌબેએ ગંભીર કૃત્ય કર્યુ હોવાનું બહાર આવ્યું છે.
લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરવા બદલ ગુનો નોંધાયો - સોશ્યિલ મિડિયા
વાપી GIDCમાં રહેતા યુવાન સામે ફેસબુક પર લઘુમતિ સમાજની લાગણી દુભાય તેવી 6 પોસ્ટ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર કૃત્ય કરવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ અન્યના નામે ID બનાવી પોતાના ફોટો મુકી પોસ્ટ શેર કરી હતી.
જેમાં મદનપુરીએ ફેસબુકના માધ્યમથી 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન ખોટા નામથી ID બનાવી પોતાનો ફોટો લગાવી લઘુમતિ સમાજના લોકોની લાગણી દુભાય તેવી 6 બિભસ્ત પોસ્ટ કરી હતી. પોલીસે મહામારીના સમયમાં આવું ગંભીર કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવનારા મદનપુરી સામે આઇપીસી 295(ક), ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇન્ફોરમેશન એન્ડ ટેકનોલોજી એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા અને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કે મેસેજ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે એવી ચિમકી પણ આપવામાં આવી હતી. ઉપરોક્ત કેસમાં આરોપી મદનપુરીએ પિયુષ ચતુર્વેદીના ખોટા નામે પોસ્ટ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.