વલસાડ: જિલ્લામાં વિવિધ શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમને પોલીસ વિભાગ તરફથી યુનિફોર્મ સહિતની તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં દેશભક્તિ વધુ દ્રઢ બને અને સેવાકીય કામગીરીમાં તે આગળ રહે તેથી તેમને તાલીમ પણ આપવામાં આવે છે.
વલસાડ: સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિદ્યાર્થિનીઓને પરેડમાંથી બાકાત રાખવામાં આવી - 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી પારડીના કુમાર શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. જેના અનુસંધાને શુક્રવારે પરેડ અને માર્ચ પાસ્ટ માટે પોલીસ વિભાગ, હોમગાર્ડ, RPF અને સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં હાઈસ્કૂલમાંથી આવેલી 40થી વધુ વિદ્યાર્થિનીઓ પોતાનું ટ્યુશન અને સોમવારથી શરૂ થનારી પરીક્ષા બાજૂ પર મૂકીને પરેડમાં જોડાવા માટે ઉત્સાહભેર આવી હતી, પરંતુ સ્ટુડન્ટ પોલીસ કેડેટ મોરલ ડાઉન થઈ જતા તેમને સામેલ કરવામાં આવી નહોતી.
71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટને કુમારશાળાના મેદાનમાં રિહર્સલ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઇ કારણસર કેટલીક વિદ્યાર્થિનીઓને પ્લાટુન કમાન્ડર અને પોલીસ દ્વારા પરેડમાં સામેલ કરવામાં આવી નહોતી. જેથી વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી.
આ અંગે તમામ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આગામી સોમવારના રોજથી તેમની પરિક્ષાઓ શરૂ થવાની છે અને તેમના ટ્યૂશન પણ ચાલુ છે. આ તમામ વસ્તુઓને નજરઅંદાજ કરી તેઓ પરેડમાં ઉત્સાહભેર જોડાવા માટે પારડી પહોંચ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ દ્વારા કોઈ કારણસર પરેડમાં જગ્યા ન હોવાનું જણાવીને તેમને પરેડમાં સામેલ કરી નથી.