ગાંધી@150: વલસાડના ધરાસણાની મીઠાકૂચ પહેલા ગાંધીજીની ધરપકડ થઈ હતી
વલસાડઃ સમગ્ર વિશ્વ જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે વલસાડથી 10 કિલોમીટર દૂર ધરાસણા ગામે મીઠાના અગર આવેલા છે. વર્ષો પહેલા જ્યારે અંગ્રેજ સરકાર ભારત પર રાજ કરી રહી હતી, ત્યારે 1930માં અંગ્રેજ સરકારે મીઠા પર કર લાગ્યો હતો જેનો વિરોધ કરતાં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી. જો કે, ઘણા લોકોને ખબર નહીં હોય કે નવસારી બાદ ગાંધીજી આ યાત્રાને વલસાડના ધરાસણા ખાતે લઈને આવનાર હતા, પરંતુ તે વલસાડ પહોંચે તે પહેલા જ અંગ્રેજ સરકારના સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી.
ગાંધીજીની ધરપકડ બાદ અબ્બાસ સાહેબે 12 મે 1930ના રોજ પોતાના ૫૯ જેટલા અનુયાયીઓ સાથે ધરાસણા માટે કૂચ કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે અબ્બાસ સાહેબની પણ ધરપકડ કરી દેતા મીઠાના સત્યાગ્રહને ચાલુ રાખવા કવિયત્રી સરોજિની નાયડુએ સેંકડો સત્યાગ્રહીની સાથે ધરાસણામાં પહોંચ્યાં હતા. આમ, એક અહિંસક આંદોલન કર્યુ હતું. જો કે, અંગ્રેજ સરકારના સૈનિકોએ આ તમામની ઉપર અમાનુષી અત્યાચાર કરતાં કેટલાક લોકો તેમાં ઘાયલ થયા હતા. આ સમગ્ર બાબતથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેની યાદમાં હાલ વલસાડના ધરાસણા ખાતે એક સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્વર્ગીય મોરારજી દેસાઈના સમયે બનેલું આ સ્મારક આજે પણ ત્યાં ઊભું છે, પરંતુ તેની અંદર મુકવામાં આવેલી કેટલીક ચીજ-વસ્તુઓ જેવી કે રેંટિયો તેમજ કેટલાક ફોટાઓ તૂટી ગયા છે અને માળા પર કરવામાં આવેલું રંગ કામ ગુણવત્તાવિહીન જોવા મળી રહી છે.