વલસાડ: જિલ્લાના સંજાણ ગામ નજીક સંજાણ બંદર ખાતે ભારે વરસાદમાં 136 જેટલા ગામલોકો ફસાયા હતાં. રાત્રે અનરાધાર વરસેલા વરસાદમાં ફસાયેલ આ ગામલોકોને બચાવવા NDRFની એક ટીમને રવાના કરાઈ હતી. બુધારામ દેવાસીની આગેવાનીમાં સંજાણ બંદરે પહોંચેલી NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉમરગામમાં બારે મેઘ ખાંગા, સંજાણ બદરે NDRFએ 136 લોકોનું રેસ્ક્યુ કર્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે ભારે વરસાદમાં ફસાયેલ 136 ગામલોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. આ વિસ્તારમાં 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વારોલી નદીમાં આવેલા પૂરના પાણી ગામમાં ફરી વળ્યાં હતાં. જ્યારે NDRFની ટીમે 45 બાળકો અને એક સગર્ભા મહિલાને બચાવી હતી. જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
સંજાણ બંદર ખાતે હાથ ધરાયેલા આ રેસ્ક્યુમાં NDRFની ટીમે 136 લોકોને રેસ્ક્યુ કર્યાં હતાં. જેમાં એક 32 વર્ષીય સગર્ભા મહિલાને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી, તો કુલ 35 પુરુષો, 65 મહિલા અને 45 બાળકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
સંજાણ બંદર નજીક ભારે વરસાદને કારણે વારોલી નદીમાં પૂર આવ્યું હતું અને પૂરનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતા રાત્રે 3 વાગ્યા સુધીમાં કમર સુધીના પાણીમાં ગામલોકો ફસાયા હતાં. જેને સવારના 6 વાગ્યા સુધીમાં NDRFની ટીમે સલામત સ્થળે ખસેડાયા હતા, જે બાદ ભિલાડ નજીક ધોડીપાડા ગામમાં પણ કેટલાક લોકો ફસાયા હતા. તેઓને NDRFની ટીમે મામલતદારને સાથે રાખી અહીંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.