વાપીઃ સમગ્ર વિશ્વની સાથે દેશમાં કોરોના વાઈરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે રોજનું કમાઈને ખાતા અનેક પરિવારો સંકટમાં આવી પડયા છે. જેમને પૂરતું ભોજન અને રાશન પાણી આપવા માટે અનેક સામાજિક સંસ્થાઓએ હાથ લંબાવ્યા છે. જેમાં વલસાડ રેલવે પોલીસે પણ સેવાની સરવાણી વહાવી છે.
વલસાડ રેલવે પોલીસે જ્યારથી લોકડાઉન ચાલુ છે ત્યારથી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જઈને ગરીબ આદિવાસી પરિવારો માટે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે. આ સાથે ઔદ્યોગિક નગરી ગણાતા વાપીમાં રેલવે પોલીસ ગરીબોની વહારે આવી છે. તેમણે રેલવે સ્ટેશનની નજીક રહેતા અનેક ગરીબ નિરાધાર લોકો માટે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે.
લોકડાઉનમાં રેલવે પોલીસ બની સંકટ મોચન, ગરીબ પરિવારોને ભોજન અને રાશનનું વિતરણ
વલસાડ રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન નજીક રહેતા ગરીબ પરિવારોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યો છે. રેલવે પોલીસના અધિકારી રમણલાલ ગુજ્જરે જણાવ્યું છે કે, જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવા કાર્ય ચાલુ રાખવામાં આવશે.
valsad news
જરૂરિયાતમંદ પરિવારો ભોજનથી વંચિત રહી ન જાય તેવા ઉદેશ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું સંપૂર્ણ પાલન કરીને રેલવે પોલીસની ટિમ ભારે ઉત્સાહપૂર્વક રોજના 200 થી 250 નિરાધાર લોકોને રાશન કીટ અને ભોજન આપી રહી છે, જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવા કાર્ય ચાલુ રાખવામાં આવશે તેવું રેલવે પોલીસના અધિકારી રમણલાલ ગુજ્જરે જણાવ્યું હતું.