વાપીમાં આયોજિત વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં પત્રકાર અને ભારતીય વિચાર મંચ સાથે જોડાયેલ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે પ્રવચન દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારના ભરપૂર વખાણ કર્યા હતા અને નરેન્દ્ર મોદીને ઈસ્લામિક આતંકવાદ ખતમ કરનાર હિન્દુ રાજા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર ધારા 370 અને 35Aએ આઝાદી બાદ 2 નેશન થિયરીને જન્મ આપ્યો હતો અને ભારતે 70 વર્ષ આ ધબ્બાને સહન કર્યો છે. પરંતુ, સંતોષ છે કે, આજે આ ધબ્બાને દૂર કરવામાં આવ્યો છે. જો પ્રજાને દેશમાં ઈમાનદારી સચ્ચાઈ સ્થાપિત કરી સત્ય બતાવશો તો સમાજ ઉઠીને સાથે આવશે. પરંતુ, વારંવાર આ અંગે લોકોને ડરાવવામાં આવતા હતા. જે ડર 6 તારીખે દૂર થઈ ગયો છે. હવે આ દેશમાં એક મોટી લોબી છે જેમાં સામેલ વકીલ, જજ, રાજકારણીઓ હવે બેરોજગાર થઈ ગયા છે. જમ્મુ કાશ્મીરમાં લગાવેલ ધારા અંગેની મસલત દુનિયાની સૌથી લાંબી વાતચીત હતી. જેનું નરેન્દ્ર મોદી સરકારે એક ઝાટકે નિરાકરણ લાવી દીધું છે.
વાપીમાં ભારતીય વિચાર મંચ દ્વારા એક વિચાર ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમણે ભારત દેશના લોકો કેમ આ દેશને હિન્દૂ રાષ્ટ્ર ઘોષિત નથી કરી શકતા? શા માટે દેશની સંસ્કૃતિને જાળવવા અને જાણવા નથી માંગતા? તેવા સવાલો ઉઠાવી આ અંગે જાગૃત થવા હાકલ કરી હતી. આ દેશના લોકોએ ધર્મને મઝહબી બનાવી દીધો હોવાનું જણાવી જવાહર લાલ નહેરુ, મહાત્મા ગાંધી પર સણસણતા ચાબખા માર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર, નથુરામ ગોડસેને હિંદુઓના સાચા હીરો ગણાવ્યા હતા. 15મી ઓગસ્ટ દેશને આઝાદી મળી છે. પરંતુ દેશને સાચી આઝાદી હવે મળી છે. 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો જ નહોતો તેવું જણાવી હિન્દૂ સંસ્કૃતિ, હિન્દૂ પરંપરા અંગે પોતાના વિચારો રજુ કર્યા હતાં. એ દરમિયાન તેમણે મહેબૂબા મુફ્તી, શેખ અબ્દુલ્લા પર આકરા પ્રહારો કર્યા હતા. કુરાનને લઈને મુસ્લિમ મૌલવીઓ મુસ્લિમ સમાજમાં જ ગૈરઈસ્લામ ભણાવતા હોવાના આક્ષેપો કર્યા હતાં. શેખ અબ્દુલ્લા અને તેમન મળતીયાઓને શ્યામા પ્રસાદ મુખર્જી ના હત્યારા ગણાવ્યા હતાં.પોતાના આ વિચારો અંગે તેમને ભારત અને પાકિસ્તાનના મુસ્લિમો ઇન્ટરનેટ પર ગાળો ભાંડતા હોવાનું જણાવી પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ જણાવ્યું હતું કે, તે જે બોલે છે તે સચોટ બોલે છે. ધર્મ કે તેના પુસ્તકો પર ક્યારેય કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી. કુરાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ગેરમુસ્લિમને તેમના પર બોલવાનો કોઇ અધિકાર નથી. પરંતુ, તેમ છતાં તેમના ભાષણો પર કેટલાક મુસ્લિમ વિરોધ કરી રહ્યા છે અને તેનાથી તે પોતાની કમજોરી બતાવી રહ્યા છે. દુનિયામાં ઈસ્લામિક આતંકવાદ છે, એ સાબિત થઈ ગયું છે. ભારતની રાજનીતિમાં પણ જે સત્ય હતું તે સત્ય બતાવવાને બદલે જૂઠને પીરસવામાં આવ્યું છે. જે સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ તેને બદલે બળાત્કારીઓ આતંકીઓને મહાન બનાવવામાં આવ્યા છે. મદરેસાઓમાં કુરાનના પાઠ શીખવાડવામાં આવે છે. તે મૌલવીઓ ફ્રોડ છે. કુરાનમાં મસ્જિદ અને કબર કોઈ પવિત્ર જગ્યા નથી. મસ્જિદની મંદિર સાથે કોઈ તુલના કરવામાં આવી નથી. તલાક-હલાલાનો પણ કુરાનમાં સમાવેશ નથી. મસ્જિદ નમાજ પઢવા માટેની જગ્યા છે. જ્યારે, કબર મૃતાત્માને દફન કરવાની અને તે બાદ તેના પર માત્ર માટી નાખવા પૂરતી સીમિત છે. પાકું પાકું ચણતર કરવાનું કુરાનમાં નથી લખ્યું.શ્યામાપ્રસાદ મુખરજી અંગે તેમણે જણાવ્યું હતું કે 70 વર્ષ પહેલા કાશ્મીરમાં જઈને આઝાદ ભારતની ઈંટ રાખી હતી. ત્યારે, બંગાળના આ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા અને તેમના મળતીઓએ હત્યા કરી નાંખી હતી. ભાજપ જો શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો, તેમણે કાશ્મીર વિધાનસભામાં શ્યામા પ્રસાદ મુખર્જીના આદમ કદની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ જેથી તેમના હત્યારાઓને અને તેમના જીવીત પરિવારોને એહસાસ થાય કે જે વ્યક્તિની હત્યા સિત્તેર વર્ષ પહેલાં કરી હતી તે, વ્યક્તિ આજે તેમની સામે ઊભો છે.વાપીમાં VIA હોલ ખાતે આયોજિત આ વિચાર ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો તેમજ પત્રકારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, દમણના સાંસદ લાલુ પટેલ, વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સાડા ત્રણ કલાક સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને સાંભળ્યા હતા.