પારડી મામલતદાર કચેરીમાં છેલ્લા એક અઠવાડિયાથી આવક અને જાતિના દાખલા મેળવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીં કોમ્પ્યુટર ઉપર બેસનાર કર્મચારીઓ દ્વારા સાવ ધીમીગતિએ કામ કાજ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. લોકો દાખલા કઢાવવા સવારે 8 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઉભા રહી જતા હોય છે. તેમ છતાં તેમને દાખલા મળતા નથી. મહિલાઓએ જણાવ્યું હતુ કે, કર્મચારીઓની તાનશાહી એટલી હદે છે કે, અહીં કાગળો ઢગલામાં દાખલા લેવા આવનાર લોકોને જાતે જ શોધી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
પારડી જનસેવા કચેરીમાં આવકના દાખલા માટે લોકો પરેશાન
વલસાડઃ શાળાઓમાં પ્રવેશ શરૂ થતાની સાથે જ આવકના દાખલા મેળવવા માટે પણ દરેક તાલુકાના જનસેવા કેન્દ્ર ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. જેથી પારડી તાલુકાની મામલતદાર કચેરીમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહેવા છતાં સમયસર દાખલો મળી રહ્યો નથી.
કોમ્પ્યુટર ઉપર બેસનાર કર્મચારીઓ માત્ર ઓળખાણ કરીને આવનારને જ સમયસર દાખલાઓ આપતા હોવાની અહીં ઉભેલા લોકો જણાવી રહ્યા હતા. વહેલી સવારથી લાંબી લાઇનમાં ઉભેલા કેટલાક લોકો વચ્ચે ઉભેલી કેટલીક મહિલાઓને ચક્કર આવી જતાં તેમને નીચે બેસી જવાની ફરજ પડી હતી. તો બપોરના સમયે એક કલાક સુધી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જતાં આવક અને જાતિના દાખલાઓ ઓનલાઈન કાઢવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચી હતી.
પારડી દમણીઝાંપા પાસે રહેતી એક વિધવા મહિલાએ કેમેરા સમક્ષ ન આવી જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી તેઓ વિદ્યવા સહાય માટે આવકના દાખલા માટે ધક્કા ખાઈ રહી છે, પરંતુ આજે જ્યારે તે અહીં પહોંચી ત્યારે સેંકડોની ભીડ વચ્ચે અહીંના કર્મચારીએ તેને ઢગલામાં પડેલા પોતાના કાગડો જાતે જ શોધી લેવા માટે જણાવ્યું હતું. વધુમાં મહીલાને પોતાના કાગડો ન મળતા આ વિધવા મહિલા અને તેમણે ફરીથી નવા કાગળો બનાવવા માટે જણાવ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મહિલાઓએ ક્યાં જવું એવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ પ્રકારના વહીવટને કારણે પારડી મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સમગ્ર બાબતે મામલતદારે પણ કેમેરા સમક્ષ આવવાની ના પાડી દીધી હતી.