વાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના મહામારી સામેની લડત લડવા જનતા કરફ્યૂ દેશ સહિત વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં પણ જનસમર્થન મળ્યું હતું. જેમાં રવિવારે સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી લોકોએ ઘરમાં રહી પોતાને આઇસોલેટ કર્યા હતાં. જે બાદ સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના આંગણામાં બહુમાળી ઇમારતોની ગેલેરીમાં તાળી, થાળી, ઘંટડી વગાડી ઘંટારવ કર્યો હતો.
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ અને દમણમાં લોકોએ તાળી અને થાળી વગાડી કર્યો ઘંટારવ વાપીની તમામ સોસાયટીમાં રવિવારે સાંજે લોકોએ પોતાના ઘરના બારણે, બારીએ અને બાલ્કનીમાં અનેે હોસ્પિટલ જેવા સ્થળો પર ગ્રાઉન્ડમાં એકઠા થઇ તાળી, થાળી અને ઘંટડીથી ઘંટનાદ કર્યો હતો. એવો જ માહોલ નજીકના પાડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં જોવા મળ્યો હતો. દમણમાં પણ લોકોએ ઘરની બાલ્કનીમાં, અને બારણે ઉભા રહી તાળી વગાડી, થાળી વગાડી ઘંટારવ કર્યો હતો. કોરોના મહામારી સામે લડવા એક દિવસ પોતાના ઘરે રહી લાખો લોકોએ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું હતું. જે બાદ સાંજે ડોકટર્સ, પોલીસ અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવવા આ ઘંટારવ કર્યો હતો. ઘંટરાવમાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ હાથમાં થાળી લઈ વગાડી હતી. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના ઘરે ગેલેરીમાં ઉભા રહી તાળી વગાડી હતી. વાપીમાં તમામ સોસાયટીઓ સાથે હરિયા હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં પણ ડોકટર્સ-નર્સ અને પેરામેડિકલ સ્ટાફે તાળી પાડી ઘંટનાદને સમર્થન આપ્યું હતું. ઘંટનાદમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સહિત સૌ કોઈએ તાળી-થાળી અને ઘંટડી વગાડી હતી.