વલસાડ: શહેરના એમ.જી.રોડ પર છેલ્લા 17 વર્ષ કરતાં પણ વધુ સમયથી ભગવાન લાલજીના પારણા તેમજ તેમના શણગાર અને ભગવાનના વાઘાનું વેચાણ કરતાં દુકાનદારે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટેનો ઉત્સાહ બરકરાર રહ્યો છે.
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભગવાન લાલજીના વાઘા લેવા લોકોની ભીડ જામી - lord krishna
દરેક ભક્તોને ઘેલું લગાડનારા આજથી 5000 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જન્મ લઈ જગતને ગીતાજ્ઞાન આપનારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી બુધવારના રોજ થવા જઈ રહી છે. ત્યારે કોરોનાનું ગ્રહણ જન્માષ્ટમીની જાહેર ઉજવણીમા્ં નડતર રૂપ છે. તેમ છતાં ભાવિકભક્તો પોતાના ઘરે ભગવાન લાલજીને પારણામાં ઝુલાવવા માટે ઉત્સાહિત બન્યા છે અને જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ વલસાડની બજારમાં ભગવાન લાલજીના શણગારની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
ખરીદી કરવા આવનારા લોકોએ પણ જણાવ્યું કે, આ જન્માષ્ટમીમાં તેઓ ભગવાન સમક્ષ પ્રાર્થના કરશે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીથી ભગવાન સૌની રક્ષા કરે. મંગળવારના રોજ વલસાડ શહેરમાં દુકાનોમાં ભગવાન લાલજીના પારણા ખરીદવા, પારણા શણગાર માટેનો સામાન ખરીદવા તેમજ જન્માષ્ટમીને ઉજવણીના ભાગરૂપે ભગવાન લાલજીને પહેરાવવા માટે ઉપયોગમાં લેવાતા અવનવા રંગબેરંગી અને આકર્ષિત વાઘા ખરીદવા માટે મહિલાઓની ભીડ જામી હતી. લાલજીના વાઘાના 50થી લઈને 1000 રૂપિયા સુધી રંગબેરંગી વાઘા તેમજ શણગારની વસ્તુઓની લોકોએ ખરીદી કરી હતી.
મહત્વનું છે કે આ વર્ષે કોરોનાની મહામારીને લઈને જિલ્લા કલેકટર દ્વારા મંદિરો તેમજ જાહેર જગ્યાઓ પર જન્માષ્ટમીની ઉજવણી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને આ વર્ષે લોકોની આસ્થા ભગવાન સાથે વધુ જોડાઈ છે અને દરેક લોકો પોતાના ઘરમા જ ભગવાન લાલજીની જન્મોત્સવની ઉજવણી કરશે, જેમાં તેની પૂર્વ તૈયારીઓ તમામ લોકોએ પૂર્ણ કરી છે.